Social Profile

લોકાભિમુખ રાજકારણના હિમાયતી નેતા

Shankersinh Vaghela

મેં મારા નિમંત્રણ પત્રમાં જણાવ્યું છે તેમ આ સભા અને તેનો નૂતન અભિગમ ક્ષુલ્લક રાજકારણ અને મારા રાજકીય કાર્યક્રમથી ભિન્ન છે. આજ દિન સુધી કોઈ પણ રાજકીય પક્ષે જો આવા પ્રકારની અને આટલા ઊંચા સ્તરની સભાનું આયોજન કર્યું ન હોય તો તેનો મતલબ એવો થતો નથી. આપણે આવી કોઈ પ્રક્રિયાનો પ્રારંભ જ કરવો ન જોઈએ. કમનસીબે રાજકીય નેતા અંગે એક વિચિત્ર ખ્યાલ પ્રવર્તે છે. આ ખ્યાલ મુજબ કોઈ પણ રાજકીય નેતા પોતાની વોટબેંક અને પોતાના મતવિસ્તારથી આગળ વધીને કશું જ વિચારી શકે નહિ. હું તમને આવા બંધિયાર વિચારોમાંથી બહાર લાવવા માંગું છુ.

છેલ્લાં ઘણા વર્ષોથી આપણે જોતાં આવ્યા છીએ કે સરકાર પોતાનું કાર્યક્ષેત્ર અને સત્તામાં ઉત્તરોત્તર વૃદ્ધિ કર્યે જ જાય છે. એટલી હદ સુધી આ બાબત આગળ વધી ચૂકી છે કે આપણા જીવનના હરેક પાસા ઉપર આપણાં રોજબરોજના જીવન ઉપર સરકારના  એક યા બીજા તંત્રની નાગચૂડ જામેલી છે. લોકોના જીવનનું એવું એક પણ પાસું બાકી નથી જ્યાં સરકારે પોતાની ધાક જમાવી દીધી ન હોય. આપણે ભલે ઉદારીકરણની વાતો કરીએ પરંતુ નાગરિક જીવનમાં ડખલગીરી કરવાની સરકારની તાસીર જરાય બદલાણી નથી. સરકારની આવી ધોંશનું પરિણામ એ આવ્યું કે વ્યક્તિની કાર્ય કરવાની પહેલ, તેની પ્રેરણા અને નવું નવું વિચારવાની શોધક વૃતિ નાશ પામ્યા છે.

તેના નવા નવા સાહો કરવાની વૃતિ કુંઠિત થઇ ગઈ છે. આજે અદનો સામાન્ય નાગરિક, સાહસિક ઉદ્યોગપતિ કે સેવાભાવી બીનસરકારી સંગઠનો તદ્દન પાંગળા બની બેઠા છે. અને કેટલાક તો હવે ખત્મ થઇ જવાની અણી ઉપર છે. આજે સુષ્ઠુ સુષ્ઠુ વાણી વ્યવહારના સંદર્ભો સાવ ઉલટા થઇ બેઠા છે.સત્યના અંચળા બદલાઈ ચુક્યા છે.

સામાજિક સુખાકારી, સામાજિક વિકાસ, યોજના, પ્રગતિ જેવા શબ્દપ્રયોગો ખોખલા અને નિષ્પ્રાણ બની ચુક્યા છે. હવે આ નિષ્પ્રાણ શબ્દ્પ્રયોગમાં સૂત્રોચ્ચારની શુષ્કતા અને રાજકીય પ્રચારની બૂ આવી રહી છે. હવે પ્રજાને અહેસાસ થવા લાગ્યો છે કે  વિકાસના કાર્યોમાં તેમની કોઈ જ ભાગીદારી રહી નથી.પ્રજાને એવો ભ્રમ પેદા થયો છે કે સામાજિક સુખકારી, યોજના,પ્રગતિ વગેરે માત્ર સરકારની જવાબદારી છે. આમાં પ્રજાનો દોષ નથી.

પ્રજા વય્ક્તિવવિહીન નિષ્પ્રાણ સરકારી પ્રવૃત્તિઓની જડ સાક્ષી બનીને મોં વકાસીને બેઠી રહી છે. હતાશાથી હૈયા ઉભરાઈ રહ્યા છે. ખડક જેવી નક્કર વાસ્તવિકતા સામે ઊભી છે, વિકાસ પ્રક્રિયાઓમાં તેની કોઈ જ સક્રિય ભૂમિકા હોઈ શકે નહિ. તે તો માત્ર જડસુ મૂઢ પ્રેક્ષક.

આવી મૂઢ પ્રજા ગુંગળામણ અનુભવવા લાગે છે, અને ગુંગળામણમાંથી અસહિષ્ણતા દૈત્ય પેદા થાય છે. મારે મન આજ આપણી લોકશાહીની સાચી બિમારી છે. તંદુરસ્ત ધબકતી અને ગતિશીલ લોકશાહીમાં પ્રજાને પોતાના ભવિષ્યનું  ગૌંરવ મહેસૂસ જવું  જોઈએ. પ્રજાને સ્વામિત્વનું અભિમાન થવું જોઈએ. પ્રજા મોખરે હોવી જોઈએ અને સરકારે તેનું અનુસરણ કરવું જોઈએ

સાચી લોકશાહીમાં સરકારની ભૂમિકા ન્યૂનતમ  હોવી જોઈએ. અને આ ન્યૂનતમ ભૂમિકા પણ માત્ર માર્ગદર્શક તરીકેની જ હોવી જોઈએ. તેનું કામ માત્ર દિશા નિર્દેશન અને વ્યવસ્થાપન પુરતું જ મર્યાદિત હોવું જોઈએ.

પ્લાનિંગ એટલે કે યોજના શબ્દ ની સમગ્ર વિભાવના બદલાઈ ગઈ છે, જનતા પોતાના ભાવિ વિશે યોજનાઓ વિચારવાને બદલે આજે સરકાર પોતાની દ્રષ્ટિએ યોજનાઓ વિચારે છે અને પછી તેનો અમલ કરે છે. તેમાં પ્રજાની સક્રિય ભૂમિકા નહિવત જણાય છે. ગમે તેટલી સબળ સરકાર હોય તો પણ તે એક મનુષ્યના જીવનની રૂપરેખા કેવી રીતે મનસ્વીપણે ઘડી શકે?

યોજનાનું હાર્દ છે વ્યક્તિના જીવનની ગુણવત્તા અને સાત્વિકતા વધારવાનું માત્ર સંખ્યાની દ્રષ્ટિએ આંકડા ની માયાજાળ કરવા થી કોઈ લાભ થવાનો નથી. બજેટો ની આંકડાબાજી કશું વળતું નથી. સત્તા ની રાજરમતમાં યોજનાઓ માત્ર ઓઠા જ બની ચૂકી છે. માત્ર કાગળ ઉપર ઊભી કરેલી સ્વપ્નનગરી છે.

માત્ર વૈચારિક ગુણવત્તા છે. ભાવિ નિશાનોની ભ્રામક મૃગજળો છે પછી ચીલાચાલુ પરંપરા મુજબ રૂપિયાની ફાળવણી થાય છે. દાખલા તરીકે સિંચાઈ માટે ૨૫ ટકા વધુ ફાળવવાની વાતો થાય છે શિક્ષણમાં અમુક ટકાની વૃદ્ધિ થાય છે. બેકારી નિવારણ માટે કશુંક ઉમેરાય છે.

મને આજે એક જ વાતનું સૌથી વધારે દુ:ખ છે કે સૌથી શક્તિશાળી ગુજરાતી બંદાઓ છે તેને વિદેશો તરફ ભાગી છુટવાની વૃતિ કેમ થાય છે? તેમને  લાગે છે કે ગુજરાતમાં ગુજરાતીઓ માટે આજે પુરતી તકો નથી. આજે અમેરિકા જેવા મહાન રાષ્ટ્રની પ્રગતિમાં ગુજરાતીઓનો બહુ મોટો ફાળો છે.

તમે  ટેલિકોમ્યુનીકેશનનું ફિલ્ડ લો , એટોમિક એનર્જી લો, વીજળીની પેદાશની વાત કરો, ઈસ્પિતાલો ની વાત કરો કે આગતા-સ્વાગતની વાત કરો, કાયદો, બેન્કિંગ , મર્કેન્ડાઇઝિંગ કોમ્પ્યુટર્સ  એસ્ટ્રોફિઝિફસ અને તમે બીજા જેટલા ઉમેરવા હોય તેટલા ક્ષેત્રો ઉમેરો તો તેમાં ગુજરાતીઓ મોખરાની ભૂમિકા ભજવતા દેખાશે. આપણો સેમ પિત્રોડા અમેરિકા ગજવે છે. ગુજરાતીઓ પોતાની શિક્ષણ પ્રણાલિની નિંદા કરતા દેખાય છે, પરંતુ આજ ગુજરાતી શિક્ષણ  અમેરિકામાં શાથી વખણાય છે? જે માનવીને સામાન્ય મેનેજરનું પદ પણ ગુજરાત આપી શકતું નથી એ જ માનવી અમેરિકામાં મોટો મેનેજર સિદ્ધ થાય છે. શાથી? આમાં કચાશ આપણી અંદર છે. ખામી આપણી છે.

જે કોઈ સ્ત્રી કે પુરુષ ગુજરાત છોડી ને વિદેશ જવાની વાતો કરે છે તેને મન માં એવી હતાશા ઉત્ત્પન થાય છે કે ગુજરાત તેમને સંગ્રહી શકે તેમ નથી. તેમને સંતોષ થાય તેવી પરિસ્થિતિ અહી મોજુદ નથી. અહી તેમનો પુરેપુરો વિકાસ થવાની કોઈ જ ઉમ્મીદ  નથી.

સમય સાવ બદલાય ચુક્યો છે. પરંતુ આજે પણ આપણે પુરાણા પંડિતોને પૂછયા સિવાય કશું જ કરતા નથી. આધુનિક યુગ માં તમે બધા જ સ્વયં પંડિતો છો તે ભૂલી ગયા છો. તમે તમારા ક્ષેત્રોમાં ઘણા ઊંડા ઊતરી ગયા છો અને તજજ્ઞો બની ગયા છો. આજ સાચી પંડિતાઈ છે. તમે તેમાં સમગ્ર જીવન નિરુપિત કરી દીધું છે.  આ અમુલ્ય વારસો છે.

Twitter

Facebook