Social Profile

સદાય સોહામણા શંકરસિંહ

Shankersinh Vaghela

યુવાન શંકરસિંહ વાઘેલાના એન.સી.સી ના દિવસો ની યાદગીરી

૧૯૬૨ ના ચીનના આક્રમણના સમયમાં ભારત સરકારે એન.સી.સી ને વિસ્તૃત કરવાનું ઠરાવ્યું હતું. આ વિસ્તૃતીકરણમાં નવા કેડેટ્રસને  તાલીમ આપવા મોટી સંખ્યામાં ઈન્સ્ટક્રટર્સ ની જરૂર હતી .આ દિવસોમાં શંકરસિંહ વાઘેલા એન.સી.સી ના ઈન્સ્ટક્રટર્સ તરીકે વડોદરા આવ્યા હતા. હું એ સમયે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં અગ્રેજીના લેકચરર તરીકે નવો સવો નિમાયો હતો . મારી ઉમર એ વખતે ૨૮ વર્ષની હતી. આ નિમણુક સાથે એ સમયના યુનિવર્સિટીના પ્રો.વાઇસ ચાન્સેલર પ્રો.ચતુરભાઈ પટેલે ભલમનસાઈથી  મને કેમ્પસમાં રેહવાની સગવડ કરી આપી હતી.

હાલ ની યુનિવર્સિટી ની કચેરી એ સમયે નહોતી અને એ સ્થળે સફેદ રેહણાંક મકાન  યુનિવર્સિટીની  કચેરી તરીકે વપરાતું. આ આખોય વિસ્તાર એ સમયે  હર્દય  સમા શહેરમાં એવો  વિશિષ્ટ દેખાતો કે પોલિટેફનિક નજીક તારાબાગ વિસ્તારમાં કચેરીના  કર્મચારીઓ માટે ક્વાર્ટર્સ  બંધાયા ત્યારે આ નિર્જન વિસ્તારમાં  રેહવા આવવા ઘણા કર્મચારીઓ આતુર હતા. રેહણાંકના મેદાનમાં મને મારું  રહેઠાણ ઘણું ગમ્યું. તેમાં મોટા વિશાળ અને જુના ધણાં ઝાડ હતા. ઈશ્વરનો આભાર કે તેમાંના ધણાં હજુયે ઉભા છે. ભયાનક વાઝડીની અંદર મૂળમાંથી ઉખડી ગયેલું વડ નું  ઝાડ વીજળીના દિવા ના પ્રકાશમાં અતિ સુંદર દેખાતું હતું. મારો ઓરડો આ વડના ઝાડની બહુ જ નજીક હતો. બ્રિટીશ રાજના જમાનાનું અવશેષ હોવાથી ઓરડો ખાસ્સો મોટો હતો. લગભગ ૩૦ ફૂટ લાંબો અને પહોળો. એક દિવસ એન.સી.સી ના મેનેજર વ્યાસ એક દરખાસ્ત લઈને મારી પાસે આવ્યા. બહુ મજાના માણસ હતા. અને મારા રૂમ ની પાછળ જ રેહતા હતા. તેમણે મને કહ્યું, કોઈ વાઘેલા નામના વ્યક્તિ તાજા જ એન.સી.સીમાં જોડાયા છે. તેમને રેહવાની કોઈ જગ્યાની તલાશ છે. જો તેમની ઈચ્છા હોય તો ખુશી થી મારી સાથે રહી શકે છે. મેં તરત જ તેમની વાત સ્વીકારી લીધી અને આ રીતે હું અને શંકરસિંહ વાઘેલા રૂમ પાર્ટનર બન્યા અને કેટલાક મહિના સાથે રહ્યા.

એ દિવસોના કેટલાક સંસ્મરણો આજે પણ તાજા છે. લગભગ ૩૫ વર્ષ ના વહાણાં તો વાઇ ચુક્યા છે, પરંતુ કેટલીક સ્મૃતિ હજુ પણ માનસપટ પર છવાયેલી છે. એ વખતે શંકરસિંહ ખાસ્સા ઊંચા અને પાતળિયા દેખાતા અને કદાચ ૨૫ થી ૩૦ ની વય વચ્ચેના હતા. ક્લીન સેવ રાખતા હતા અને તેમની ત્વચા ચમકદાર દેખાતી. તેમના મોંઢા પર હમેશા જે ભાવ તરવરતો હતો તે ક્યારે સ્મિતમાં પરિવર્તિત થઇ જતો, તે કેહવું મુશ્કેલ બની જતું. તેમની આંખોમાં એક  વિશિષ્ઠ પ્રકાર ની ચમક દેખાતી અને તે દિવસો માં તેમની આંખો ઉપર ચશ્માં પણ નહોતા. અને માથે ટાલ પડવાની શરૂઆત પણ નહોતી થઇ. હસવાનું તો ચાલુ જ હોય. અને મિત્રો તો ખરા પણ  તેમાં અંગતપણું ઘણું ઓછુ. છતાં એક જ ખંડ માં તેમની સાથે રેહવામાં મને કોઈ અગવડ જણાતી નહોતી. ઉલટાનું આવા રસિક માણસ સાથે રેહવાનું મળ્યું તેનો મને આનંદ હતો.

એક દિવસ અમને વીજળીનું લગભગ ૧૦૦ રૂપિયા નું બિલ મળ્યું. તે મહિનામાં યુનિવર્સિટી કોન્વોકેશન ફકંશન હતું અને અમારા મકાનમાંથી તે વીજળીનું દોરડું ખેચ્યું હતું. મેં શંકરસિંહને આ વાત કરી તો તેમને તરત જ મને બિલ પેટે અડધા નાણા ચૂકવી દીધા અને એક શબ્દ પણ આ બાબતમાં ઉચ્ચાર્યો નહિ.

વાસ્તવ માં તે દિવસો અમારા પગાર ઘણા ટૂંકા હતા. આ બનાવની મારા મન ઉપર ઘણી ઊંડી છાપ પડેલી છે, બીજો કોઈ કંજૂસ માણસ હોય તો આ બાબતમાં જરૂર આનાકાની કરી હોત. અમારા ટૂંકા પગાર હોવાથી અમને સતત લાગ્યા કરતુ હતું કે યુનિવર્સિટીનું ફૂડબિલ ગજા બહારનું આવે છે. આથી અમે રૂમમાં જ રસોઈ કરવાનું નક્કી કર્યું અને એક કેરોસીનનો સ્ટવ ખરીદવાનું વિચાર્યું. આ સ્ટવ ફરતી ગોળ વાટો હતી. જેમાંથી વિચિત્ર પ્રકારની ગંધ બહાર  આવતી. રસોઈ પણ ધીમે થતી.

મને તો ચાનો કપ પણ બનાવતા આવડતો નહોતો એટલે રસોઈ ની જવાબદારી શંકરસિંહ એ સહર્ષ સ્વીકારી લીધી. મારા ભાગે માત્ર ઝાડુ કાઢવાનું અને બીજું પરચુરણ કામ જ આવ્યું હતું. અમારું ખાણું માત્ર ઘી ચોપડેલી રોટલી અને શાક પૂરતું જ મર્યાદીત રેહતું હતું. ગુજરાતમાં જેને ટિડોરા કેહવામાં આવે છે તેને અંગ્રેજીમાં શું કહે છે તેની મને જાણ નથી પણ શંકરસિંહ ટિડોરાના શાકના નિષ્ણાંત બની ગયા હતા. તેની સાથે અમે ખિચડી અને દૂધ પણ લેતાં

રસોઈ અમે માંસ રાખવાના કબાટની પાછળ ભોય પર બેસીને કરતા હતા. આ પણ બ્રિટીશ રાજનો એક અવશેષ હતો. અમે માંસ ખાતા નહોતા. હું મારા ચોપડા અને કપડા એ કબાટમાં રાખતો હતો. અને તેઓ પણ તેમની કેટલીક ચીજો તેમાં રાખતા હતા. આ સિવાય ઓરડામાં લાકડાની એક ખુરશી, ટેબલ અને લોખંડનો પલંગ હતા. જે અમને ટોકન રેન્ટ ઉપર યુનિવર્સિટીના સ્ટોર્સ તરફ થી મળેલા હતા.

ભોજન લેવા માટે અમે ભોય પર છાપુ પાથરીને બેસતા. શંકરસિંહ-ઘણીવાર રસોઈ કળામાંથી લશ્કરી શિક્ષણની વાતો ઉપર આવી જતા હતા. અને ત્યારે તેમના ચેહરા ઉપર ગજબની તરવરતા પ્રદર્શિત થતી. જયારે એ એન.સી.સી નો યુનિફોર્મ પેહરતા ત્યારે ખુબ જ સ્માર્ટ દેખાતા. જાણે ખરેખર કોઈ લશ્કરી અમલદાર જ સામે  ઊભા હોય તેવો તેમનો દેખાવ લાગતો. તેમના કાળા બૂટ તો હમેશા ચકચકાટ દેખાતા અને હમેશા એને પોલીશ કરવાનું તો તેઓ ચુકે જ નહિ ! પટ્ટાના  પિત્તળ ની ધાતુના ભાગો એકદમ પોલીશ કરીને ચક્મકતા બનાવી દીધા હોય ! પણ તેઓ ક્યારેય વધુ પડતા લશ્કરી દેખાતા નહોતા. તેનું કારણ તેમનો મજાકિયો નિખાલસ સ્વભાવ હતો. આજે પણ તેમની ચપળતા સ્મૃતિપટ પર ચમકી જાય છે.

એ જમાનામાં ફતેહપુરનો ઇએનઇ વિસ્તાર નાગરિકોની અવરજવર માટે ખુલ્લો રેહતો હતો. આજે જ્યાં લશ્કરના અધિકારીઓ રહે છે એ ક્ષેત્ર એ જમાનામાં તારની વાડથી બંધિયાર બનાવવામાં આવેલું નહોતું. બિગેડીયર હ્યુજીને  અહિયાં પ્રખ્યાત મંદિર બંધાવ્યું નહોતું. આજે કેરાલાના આ માણસની  એકાત્મ ભાવના મનમાં સન્માનની ભાવના જગાડે છે.

હું અને શંકરસિંહ ઘણીવાર ચાંદની રાતમાં પગપાળા દૂર દૂર ફરવા નીકળી જતા. આ વિસ્તારમાં એ જમાનામાં એક વોંકળો હતો. જ્યાં આજે ઈએનઈ  ઓડીટોરિયમ ઊભું છે. વોંકળા પાસે એક ઓટલા જેવું બાંધેલું હતું. ત્યાં અમે શાંત વાતાવરણ ની અને તાજી હવાની મોજ માણતા માણતા ગપાટા મારતા.

આજે કદાચ શંકરસિંહને આવી ફુરસદ મળવી મુશ્કેલ બની હશે. આશા રાખીએ કે તેમની સામે ઊભા થતા પડકારોનો તેઓ અડીખમ બનીને સામનો કરે અને તેમની હિંમત અને અડગતા અવિરત અકબંધ રહે. તેમને ભવિષ્યમાં ઘણી બધી ધીરજ અને શ્રધાની જરૂર પડશે. શંકરસિંહે વડોદરા છોડ્યું ત્યારબાદ અમે બહુ  ઓછી વાર મળી શકયા છીએ.

Twitter

Facebook