Blog

રાવણ જીંદા હૈ: માનવ સમુદાયને નષ્ટ કરતાં અનિષ્ટ તત્વોને આગ ચાંપવી તે પુણ્યનું કામ

22095998_1460175510741522_8873421812575740846_o

ગુજરાતની માનવજાતને અન્યાય કરતાં આ 10 અનિષ્ટોને જીવતા જ સળગાવી દેવા આવી ગયો છે-જનવિકલ્પ : આપણે સૌ એક બનીએ, નેક બનીએ, સૌ સારાં-વાનાં થશે

દશેરા એટલે ધર્મનો વિજય અને અધર્મનો નાશ. આસુરી શક્તિઓ પર ઇશ્વરીય શક્તિની જીતની ખુશાલીનો ઉત્સવ છે. નવરાત્રીમાં નવ દિવસ સુધી દેવી શક્તિની ઉપાસના કર્યા બાદ દસમા દિવસે દશેરાએ આપણે 10 રાક્ષસોનો નાશ કરવાનો છે. ક્રોધ, ઈર્ષા, વેર-ઝેર, અહંકાર, છળ, કપટ, છેતરપિંડી, કામ, નફરત અને હિંસા. આ દસ લક્ષણ તંદુરસ્ત માનવજીવન અને માનવસમુદાય માટે જોખમી ગણાય તેથી તેનો ત્યાગ કરવાનું શાસ્ત્ર્રોમાં કહેવામાં આવ્યું છે.

એવી જ રીતે સમાજમાં ફેલાયેલા 10 એવાં રાક્ષસો છે કે જેનો નાશ કરવો અનિવાર્ય થઇ પડ્યો છે. આ 10 આસુરી શક્તિઓનું નિર્મૂલન જનવિકલ્પ કરી બતાવે તેમ છે. જનવિકલ્પ એક એવો વિકલ્પ છે કે જે કોઇ પાર્ટી નથી પરંતુ તંદુરસ્ત સમાજ છે, જેમાં તમામ ધર્મ, વર્ગ, કોમ અને વર્ણના લોકોએ સ્વેચ્છાથી બદલાવને સ્વિકાર્યો છે.

કહેવાય છે કે લોકસેવા કરવા માટે સત્તાની જરૂર હોતી નથી. કોમન મેન બનીને પણ ચીફ મિનિસ્ટર જે કામ કરે છે તે કામ વ્યક્તિ કરી શકે છે. વર્તમાન સમયના રાવણને 10 નહીં પણ 100 માંથા છે. જેમાં ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, અન્યાય, અનિતી અને વર્ગવિગ્રહ જેવા દૂષણો તો કોમન છે જેનો મૂળમાંથી નાશ કરવો પડે તેમ છે પરંતુ માનવ સર્જીત- આપણી રાજકીય પાર્ટીઓએ ગૂંથેલા વિષચક્રના ઝાળાને પાડવાનંી કામ જનવિકલ્પ પાસે આવ્યું છે.

જીએસટી કાયદાથી એન્ડ યુઝર્સનો મરો થયો છે…
વગર વિચાર્યે, લાંબાગાળાની યોજના બનાવ્યા સિવાય સવા સો કરોડની જનતાને માથે મારવામાં આવેલો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ- જીએસટી-નો કાયદો એ વેપારી વર્ગ કરતાં સામાન્ય લોકોને એટલે કે એન્ડ યુઝર્સને વધારે નડી રહ્યો છે. હોટલમાં જમવા જાવો છો અને પરિવારનું ભોજન બીલ 1000 રૂપિયા આવે છે તો તેમાં 280 રૂપિયા જીએસટી લાગુ પડે છે. ફિલ્મ જોવા મલ્ટીપ્લેક્સમાં જાવ છો તો તેમાં પણ ટેક્સનું ભારણ એટલું હોય છે તે પ્રત્યેક પાંચમી ટીકીટ મફત મળી શકે. જીએસટી લાગુ કરનારા વેપારીઓ તેમની પ્રોડક્શન કિંમત ઘટાડવા તૈયાર નથી તેથી ભારત સરકારના આ નવા કાયદાનું ભારણ ગ્રાહકો પર આવી પડ્યું છે. હવે તો જીએસટીના કારણે ચોરી કરવાની પ્રથા પણ શરૂ થઇ ચૂકી છે. સરકારને એમ હતું કે જીએસટી લાવ્યા પછી તેની તિજોરી ભરાશે પરંતુ અગાઉના કાયદા કરતાં ઘણી ખરાબ હાલત જોવા મળે છે. સરકારની રેવન્યુમાં ઘટાડો થયો છે. ભારત અને ગુજરાતના વેપારી વર્ગ જેનાથી સૌથી વધુ પિડીત છે તેવા જીએસટીના કાયદામાં સરળીકરણ કરવા માટે જનવિકલ્પ મજબૂત પ્લેટફોર્મ આપે છે. ગુજરાતમાં જીએસટીના વિરોધમાં જે લોકો જોડાયા છે તે લોકોને એકત્ર કરીને જીએસટીના દાતાઓ સામે લડવાની પ્રતિજ્ઞા આપણે રાવણ દહન સાથે લેવાની છે.

શિક્ષણ એ ધર્મ નથી, નોટ મશીન છે…
આજનું શિક્ષણ એ ધર્મ નથી પણ નોટો છાપવાનું મશીન છે. એક સમય હતો ઋષિમુનિઓ આશ્રમ બાંધીને બાળકોને મફત વિદ્યા આપતા હતા. તેમનામાં કમાઇ લેવાની નહીં પણ એક સાચો નાગરિક બનાવવાની ખેવના હતી. આજની વિદ્યા એટલે- શિક્ષણની હાટડીઓ ખોલીને બાળકો અને વાલીઓના ખિસ્સા ખાલી કરવાનો કિમિયો છે. એક પુત્રીને ડોક્ટર બનાવવા માટે વાલી 50 લાખની જીવનભરની મૂડી રમતાં રમતાં ખર્ચી નાંખે છે. એક પુત્રને એન્જીનિયર બનાવવા માટે તેના વાલી 15 લાખની બચાવેલી સંપત્તિ ખર્ચી નાંખે છે. સરકાર ફી નિર્ધારણ કરે છે પરંતુ તેનો અમલ પ્રાઇવેટ એજ્યુકેશન સંસ્થાઓ ક્યાં કરે છે. જે કરે છે તે ટેબલ નીચેથી એડવાન્સ રૂપિયા પડાવીને બાળકને શિક્ષા આપતા હોય છે. આપણ આ મોંઘા શિક્ષણ અને ટ્યુશન પ્રથાને દૂર કરવા જનવિકલ્પને સાથ આપવાનો છે. સસ્તા શિક્ષણ માટે અહિંસક જેહાદ શરૂ કરવા માટે જનવિકલ્પ તૈયાર છે.

ક્યાં રહ્યાં છે એ સેવાભાવી ડોક્ટરો…
આજના સમયમાં સસ્તી આરોગ્ય સુવિધા મળતી તે સ્વપ્ન બની ગયું છે. ભયથી પ્રિત કરનારા ડોક્ટરો અને મેડીકલની સંસ્થાઓએ રીતસર ઉઘાડી લૂંટ ચલાવી છે. સરકારી દવાખાના અને હોસ્પિટલોમાં સરકાર ગમે તેટલી આરોગ્ય સુવિધા ઉભી કરે, સસ્તી સારવારના વાયદા કરે પરંતુ હકીકતમાં દર્દીને પ્રાઇવેટમાં મોંઘી સારવાર ન કરાવો તો તે દર્દી સરકારી પથારીએ છેલ્લા શ્વાસ લેતો હોય છે. સુપર સ્પેશ્યાલિસ્ટ હેલ્થ સર્વિસના નામે દર્દીઓ અને તેમના સ્નેહીજનો માટે ઉંચા મેડીક્લેમ પાસ કરાવવાના ઇન્સ્ટીટ્યુશન બની ગઇ છે. મેડીકલમાં ગયેલા વ્યક્તિને પ્રેક્ટિસ પહેલાં દર્દીઓની સેવા કરવાના કેટલાક સોગંધ લેવાના હોય છે પરંતુ અત્યારે આ સોગંધને ઠોકર મારીને જેવો બોકડો તેવા ભાવ ના ન્યાયે લૂંટફાટ કરવામાં આવે છે. સરકારી હોસ્પિટલમાં તો ડોક્ટરો મળતા નથી. દવાઓનો જથ્થો હોતો નથી. મોંઘા મશીનો છે પરંતુ તેને ચલાવનારા નથી. સરકારી ડોક્ટરો ખાનગીમાં ઘૂમ પ્રેક્ટિસ કરી રહ્યાં છે પણ તેમને રોકનારા કોઇ નથી. હવે જનવિકલ્પ આવી ઊઘાડી લૂંટ ચલાવી લેવા માગતું નથી. આવો, સમૂહમાં એકત્ર થઇને આવી સંસ્થાઓ કે જ્યાં ઊઘાડી લૂંટ ચાલે છે તે બંધ કરાવી સેવાભાવી સંસ્થાઓના મૂળિયા ઉંડા કરવાના કામમાં લાગી જઇએ.

કામ નથી, સાહેબ હજી બેકાર છીએ…
ભારત અને તેના ગુજરાત જેવા રાજ્યોમાં લાખો યુવાનો નોકરી મેળવવા માટે રઝળપાટ કરી રહ્યાં છે. સરકારી ચોપડે રોજગારીના ખોટા આંકડા બતાવીને સૌથી વધુ રોજગાર આપ્યો હોવાનો દાવો કરી એવોર્ડ મેળવવામાં આવે છે પરંતુ જમીની હકીકત એવી છે કે સરકારી ચોપડે નોંઘાયેલા બેકાર યુવાનો સામે બેકારોની મોટી ફોજ ઉભી છે. સરકારી ચોપડે 2016ના અંતે કહેવાયું છે કે રાજ્યમાં 9 લાખ બેરોજગાર છે પરંતુ સાચો આંકડો 25 લાખ બેકારોનો છે. 500 તલાટીની જગ્યા માટે 12 લાખ અરજીઓ આવે તે શું બતાવે છે. 2000 કોન્સ્ટેબલની ભરતીની જાહેરાતમાં 18 લાખ અરજીઓ આવે છે. ગુજરાતમાં પરપ્રાંતના ઉદ્યોગો આપણા સ્થાનિક યુવાનોને નોકરી આપતા નથી. ગુજરાત સરકારે એવો કાયદો બનાવ્યો છે કે- રાજ્યમાં ઉદ્યોગ સ્થાપવો હોય તો 85 ટકાને સ્થાનિક ધોરણે નોકરી આપવી પડશે, પરંતુ બદનસીબે ગજરાત સરકાર આ કાયદાનો અમલ કરાવી શકતી નથી. કેન્દ્ર સરકારના જાહેર સાહસો કે જે ગુજરાતમાં આવેલા છે તેમાં તપાસ કરીએ તો ખબર પડે છે કે 100માંથી માત્ર બે કે પાંચ ગુજરાતી યુવાનો કામ કરતા હોય છે. બે હાથને કામ આપવાનું ધ્યેય જનવિકલ્પ ધરાવે છે. ગુજરાતમાં શૂન્ય બેરોજગાર થઇ જાય તેવા પ્રયાસ સૌએ ભેગા મળીને કરવાના છે.

ખાનગી વીજ એકમોને જલસા પડી ગયા છે…
ગુજરાતમાં ખાનગી વીજ એકમોને જલસા પડી ગયા છે. સસ્તા ભાવે વીજળી પેદા કરીને આ ખાનગી એકમો મોંઘાભાવની વીજળી સરકાર અને લોકોને વહેંચે છે. ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજનામાં 24 કલાક વીજળીના દાવા કરવામાં આવે છે પરંતુ હકીકતમાં ગામડામાં લોકોને દિવસના માત્ર 10 થી 12 કલાક વીજળી મળે છે. ખેતીવાડીમાં સસ્તી નહીં પણ મફત વીજળી આપવી જોઇએ, કારણ કે કિસાન ખેતરમાં કાળી મજૂરી કરીને આપણું પેટ ભરે છે. ગુજરાત સરકાર વર્ષે અંદાજે 3000 કરોડની ખાનગી વીજળી ખરીદે છે અને તેના સરકારી પાવર પ્લાન્ટ ખોરંભે પાડી દેતાં પણ અચકાતી નથી. ઘરના આવતા ઉંચા વીજબીલોમાં ખાનગી કંપનીઓની ઊઘાડી લૂંટ છે. તમે 500 રૂપિયાની વીજળી વાપરી હોય છે પરંતુ બીલ 1000 રૂપિયા આવે છે એનું કારણ 500 રૂપિયા વીજ કંપનીઓ અને વચેટીયાઓ લઇ જાય છે. વીજ ઉત્પાદનમાં થતાં ખર્ચના ખોટા આંકડા આપી વીજ કંપનીઓ ગ્રાહકોને છેતરે છે. આપણા વીજ નિયમન પંચની આંખે પાટા બાંધેલા છે. આ નફો કરતી કંપની ઓ છાસવારે ભાવવધારો કરી દેતાં ખચકાતા નથી. આપણે આ ખાનગી વીજ કંપનીઓની લૂંટફાટ સામે મોરચો ખોલવાનો છે અને સામાન્ય વીજ ગ્રાહકોના મીટર બીલ નીચા લાવવાના છે.

જગતનો તાત ભરબજારમાં છેતરાય છે…
ખેડ, ખાતર અને પાણી- સાથે એક ખેડૂત ખેતરમાં મજૂરી કરીને પાકનું ઉત્પાદન કરે છે. કુદરતી સંજોગોમાં તેનો પાક ફેઇલ જાય છે ત્યારે સરકાર તેને સહાય કરતી નથી પરિણામે તે ખેડૂતે દેવાં કરીને વાવેલા પાકનું વળતર નહીં મળતાં છેવટે તે આત્મહત્યા કરે છે. આ સિસ્ટમને અટકાવવી છે. સરકારની ફરજ બને છે કે જે ખેડૂતોનો પાક કુદરતી આપત્તિમાં નાશ પામે ત્યારે તેને પૂરતું વળતર આપવું જોઇએ. બીજી તરફ ખેતરમાં મબલખ પાક લહેરાતો હોય છે ત્યારે તેને જોઇને ખેડૂત ખુશ થાય છે અને કહે છે કે- હાશ, આ વર્ષે મને સારા દામ મળશે પરંતુ ખેતીમાં ઘૂસેલા દલાલો અને વચેટીયાઓ મલાઇ ખાઇને ખેડૂતોનો માલ સસ્તાભાવે લઇને બજારમાં ઊંચા ભાવે વેચી મારે છે અને તગડો નફો કરે છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં સરકારો નિષ્ફળ રહી છે. આપણે ખેડૂતોને તેમના યોગ્ય દામ મળે તે માટે આંદોલનો ચલાવવાના છે. ખેડૂત એ આપણો તાત છે. તેની ખેતી બચશે તો આપણે ભૂખે નહીં મરીએ. જમીન વિહોણાં ખેડ઼ૂતોને આપણે જમીન અપાવવી છે. બાકી બચેલી જમીનને ઉદ્યોગમાં જતી અટકાવવાની છે. આપણી માગણી ખેડૂતને ઉદ્યોગનો સાચો દરજ્જો અપાવવાની છે. ખેડૂત અને ગ્રાહક વચ્ચેથી દલાલોને દૂર કરવાના છે.

સામાન્ય વર્ગને પેટ્રોલ-ડિઝલ દઝાડે છે…
પેટ્રોલ, ડિઝલ અને ગેસ એ આવશ્યકની ચીજવસ્તુઓ છે તેના દામ નીચા રહેવા જોઇએ કારણ કે દામ નીચા હશે તો ટ્રાન્સપોર્ટેશન સસ્તું બનશે અને મોંઘવારીમાંથી આપણને રાહત મળશે. પહેલાં એવું કહેવાતું હતું કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડના ભાવ વધે છે ત્યારે આપણે ત્યાં પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો કરવો પડે છે પરંતુ અણઘડ નિતીઓના કારણે આજે આખો દેશ પેટ્રોલની આગમાં શેકાઇ રહ્યો છે. ક્રુડના બેરલદીઠ 140 ડોલર ભાવ હતા ત્યારે આપણને આ પેટ્રોલ 74 રૂપિયે લિટર મળતું હતું પરંતુ આજે બેરલદીઠ ભાવ માત્ર 54 રૂપિયા છે ત્યારે પણ પેટ્રોલ આપણને 80 રૂપિયે લિટર મળે છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવ પ્રતિદિન બદલાય છે. આ નિતીના કારણે ઓઇલ કંપનીઓને બખ્ખાં થયા છે પરંતુ કોમનમેન આજે વાહનો ફેરવી શકે તેવી હાલતમાં નથી. આપણે ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો વિકાસ થવા દીધો નથી તેથી લોકો પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી છે પરંતુ ભાડાંના દર સાંભળીને ચક્કર આવી જાય છે. એક જબરદસ્ત આંદોલન શરૂ કરીને આપણે પેટ્રોલિયમ પેદાશોને ટેક્સમુક્ત કરાવવી છે. જનવિકલ્પ સિવાય આ શક્ય નથી.

લોકોની ખ્વાઇશ—એક બંગલા બને ન્યારા…
ગુજરાતની સાડા છ કરોડની જનતામાં સવા ત્રણ કરોડથી વધારે પરિવારો છે. આ પરિવારોને રહેવા માટે ઘરનું ઘર આપવાની સરકારની ફરજ છે. સરકારે રોટી-કપડાં અને મકાન માટે પ્રયાસ કરવો તે તેની પ્રાથમિક ફરજ છે, આમ છતાં ગુજરાતમાં સવા કરોડ લોકો પાસે રહેવા માટેનું ઘર નથી. 75 લાખ લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે. જેમની પાસે સંપત્તિ છે તેઓએ બંગલા બનાવ્યા છે. રિયલ એસ્ટેટમાં નવા મકાનો બને છે પરંતુ તેની એટલી બઘી ઉંચી કિમત હોય છે કે મધ્યમવર્ગનો પરિવાર તે ઘર લઇ શકતો નથી. સરકાર પાસે લાખો હેક્ટર જમીન પડતર છે. આ જમીનમાં સસ્તા મકાનની યોજનાઓ બનાવી લોકોને ઘર નું ઘર આપવું તે ફરજનો ભાગ છે પરંતુ જરૂરિયાતમંદોને આ ઘર મળતું નથી. મોટાભાગના સરકારી આવાસો પ્રાઇવેટ ડેવલપર્સ તાણી જાય છે. જે લોકો ભાડાના ઘરમાં રહે છે તેમને ઘરનું ઘર આપવાનું જનવિકલ્પનું પ્રથમ લક્ષ્ય છે. આપણે હક્કનું માગી શકીએ છીએ અને આપણો તે અધિકાર આપણી પાસેથી કોઇ છીનવી શકે તેમ નથી.

સૌના સાથથી માનિતાઓનો વિકાસ થાય છે…
ગરીબ હંમેશા ગરીબ રહે છે, કારણ કે તેની પાસે પહોંચ નથી. અન્યાય સામે ઝઝૂમવાની શક્તિ નથી. મધ્યમવર્ગ એવો છે કે જે ભીખ પણ માગી શકતો નથી, બેન્કોની લોન લઇને દેવાંના ડુંગર નીચે આ વર્ગ દબાયેલો છે. સમાજમાં એવો પણ વર્ગ છે કે માલેતુજારોની ચૂંગાલમાં છે અને દબાયેલો કચડાયેલો છે. આ વર્ગ અન્યાય સહન કરે છે. વિવિધ સમાજ સામે ટકી શકતો નથી તેથી તે ઝૂકે છે. આપણાં સફાઇ કામદારોની યાતનાઓ સૌથી વધુ છે. દલિતો અને મહિલાઓ પર અત્યાચારના બનાવો બને છે પરંતુ તેમને ન્યાય મળતો નથી. બેન-દિકરીઓની ઇજ્જત લૂંટાય છે પરંતુ આપણે ચૂપ બેસી રહીએ છીએ. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે પોલીસ રખેવાળીનું કામ કરે છે પરંતુ અપૂરતી પોલીસ વીવીઆઇપીની સેવામાં વ્યસ્ત રહેતી હોવાથી તેમની પાસે લોકો સલામતીની અપેક્ષા રાખી શકતા નથી. સમાજના કચડાયેલા વર્ગને ઉપર લાવીને તેમનું જીવન ધોરણ સુધારવાનો એક યજ્ઞ જનવિકલ્પ દ્વારા પ્રજ્જ્વલિત થયો છે. આ યજ્ઞમાં આપણે એની આહુતી આપવાની છે કે જેઓ કચડાયેલા વર્ગ પર અન્યાયનો ચાબુક વિંઝે છે. રાવણ દહનના દિવસે આ રાક્ષસોનો આપણે ખાત્મો કરવાનો છે.

બઘાં પાસે ઇન્ટરનેટ કે સ્માર્ટફોન નથી…
ડિજીટલ ઇન્ડિયામાં ગુજરાત પણ ડિજીટલ થયાનો દાવો કરે છે પરંતુ આપણી 60 ટકા જનતા પાસે ઇન્ટરનેટ કે સ્માર્ટફોન નથી. સરકારી સેવાઓ ઓનલાઇન કરી દેવામાં આવી છે પરંતુ 30 ટકા લોકો પાસે બેન્ક એકાઉન્ટ નથી. ટેકનોલોજીના અભાવે જીવતા યુવાનોને આજેપણ સ્કૂલમાં સ્લેટ-પેન કે ડાયરી જોઇએ છે. ફિઝિકલરીતે તેમણે શિક્ષણ લેવું છે પરંતુ હાલના સમયમાં તે મોજૂદ નથી. ટેકનોલોજી સાથે બદલાતા સમય લાગે છે છતાં આપણે નોટબંધી કરીને નોટોની અછત સર્જી દીધી છે. જીએસટી જેવા કાળા કાયદા લાવીને વેપારીઓની કેડ ભાંગી નાંખી છે. ચોતરફ એટીએમની બોલબાલા છે ત્યારે ચેક સાઇન કરવાનું ઓછું થયું છે. એટીએમના અંગ્રેજી આંકડા ઓળખતા આપણા અબોધ લોકોને હજી આવડ્યું નથી. ડિજીટલ પેમેન્ટની એપ્લિકેશન બનાવી છે પરંતુ સ્માર્ટફોન ન હોય ત્યાં આ એપ્લિકેશન કંઇ કામ લાગતી નથી. સરકારના નેશનલ સેમ્પલ સર્વેના આંકડા પ્રમાણે ગ્રામીણ ભારતમાં માત્ર 48.7 ટકા પાસે ઇન્ટરનેટ છે. શહેરોમાં તો 50 ટકા પાસે જ છે. ગુજરાતમાં સાક્ષરતા દર 79.9 ટકા છે જે પૈકી 27.6 ટકા લોકો પાસે જ કોમ્પ્યુર છે કે જેઓ નેટ એક્સેસ કરી શકે છે. એનો મતલબ એ થયો કે ગુજરાતની સાક્ષર જનતા પૈકી 70 ટકા પાસે ઇન્ટરનેટ નથી પછી સરકારી ઓનલાઇન સર્વિસનો ઉપયોગ તેઓ કેવી રીતે કરી શકશે. આ યુવાનો અને આ વસતી માટે જનવિકલ્પ એ માત્ર ને માત્ર એક જ વિકલ્પ છે.

Twitter

Facebook