બાપુ વિશે

નેતૃત્વ

શ્રી શંકરસિંહ વાઘેલા, જેઓ ગુજરાતમાં ‘બાપુ’ તરીકે લોકપ્રિય છે અને ગુજરાતના સૌથી અનુભવી રાજકારણી છે. તેમના 60 વર્ષથી વધુના જાહેર જીવનમાં, તેઓ જન સંઘ, જનતા પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ જેવી મહા-સંસ્થાઓના મજબૂત આધાર સ્તંભોમાંના એક રહ્યા છે. તેમની 1996-97 ની સરકાર, જેમાં તેમણે ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા, ભ્રષ્ટાચારને નાબૂદ કર્યો, પારદર્શિતા રજૂ કરી, નોકરીઓ આપી અને ખરી રીતે ગુજરાતની પ્રજાની સેવા કરી, તેને આજે પણ લોકો ‘ટનાટન સરકાર’ તરીકે યાદ કરે છે. બાપુએ તત્કાલિન વડાપ્રધાનશ્રી મનમોહન સિંહજી ની યુપીએ -૧ સરકારમાં ટેકસટાઇલના કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે પણ કાર્ય કર્યું હતું. તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ, તેમના મંત્રાલયે ખેડુતો અને ઉદ્યોગો બંનેને સમકક્ષ મદદ કરી હતી જેની નોંધ આજે પણ લેવાઈ છે અને નાગરિકોને માહિતી નો અધિકાર જેવી પારદર્શી વ્યવસ્થા કે જે સૌપ્રથમ ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની સરકાર સમયે લાગુ કરવામાં આવી હતી તેને રાષ્ટ્રીય સ્તરે RTI સ્વરૂપે લાવવાની દરખાસ્ત પણ શંકરસિંહ વાઘેલા એ કેન્દ્રિય મંત્રી રહેતા કરી હતી. તેમનું શાસન એટલું યાદગાર હતું કે આજે પણ લોકોને એ યાદ છે કે તેમણે સમાજના દરેક વર્ગને કેટલી મદદ કરી હતી. વિધવા બહેનો ને આર્થિક સહાય, મહિલાઓને નોકરીઓમાં 33% અનામત હોય કે યુવાનોને એક વર્ષની અંદરમાં એક લાખ જેટલી સરકારી નોકરીઓ, આર્થિક ભાર વિનાનું ભણતર અને ફરજિયાત શિક્ષણ થકી સાક્ષરતા વધારવાનું ભગીરથ કામ બાપુ એ કર્યું હતું. શહેરો ની સાથે સાથે ગામડાના પણ વિકાસ માટે બાપુ ની ટનાટન સરકારે ટનાટન કામ કર્યા હતા અને લોકોના વિકાસ પાછળ પૂરતું ધ્યાન આપ્યું હતું.

નાનપણથી જ શ્રી શંકરસિંહ વાઘેલા રાષ્ટ્ર નિર્માણ તરફ આકર્ષાયા હતા. તેઓ હંમેશા સૌ માટે મદદગાર રહેતા. શાળાના દિવસોથી જ તેમણે ઘણાં સામાજિક કાર્યોમાં સ્વયંસેવક તરીકે કામ કર્યું અને આ પ્રાથમિક તબક્કા દરમિયાન જ તેઓ દેશની સેવા માટે સેવા દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા હતા. સમય જતા રાજકીય સંજોગો બદલાયા અને તેમણે અસરકારક રીતે લોકો માટે અવાજ ઉઠાવવા માટે રાજકારણમાં ઝંપલાવ્યું. જનસંઘના સમયગાળા દરમિયાન, તેમને તે સમયના બે મોટા પક્ષો કોંગ્રેસ તેમજ સ્વતંત્ર પાર્ટીમાં જોડાવવાની ઑફર કરવામાં આવી હતી પરંતુ તેમણે સંઘર્ષ પસંદ કર્યો હતો અને ગુજરાતમાં સંગઠન બનાવવા માટે જનસંઘ માટે કામ કર્યું હતું. તેમના તીવ્ર પરિશ્રમથી ગુજરાતમાં જનસંઘ, જનતા પાર્ટી અને પાછળથી ભાજપ પક્ષો મજબૂત બન્યા.

આંતરિક રાજકારણને કારણે તેમણે ભારે દિલથી ભાજપ છોડી દીધું પરંતુ નકારાત્મક બળો સામે ક્યારેય ઝૂક્યા નહીં. તેઓ ભારપૂર્વક માને છે કે રાજકારણમાં તમારે જે યોગ્ય હોય તે કહેવું અને કરવું જોઈએ, પછી ભલે અન્ય લોકો જે પણ વિચારે. ગંદા રાજકારણથી ડરી જાય અથવા તેની સામે ઝૂકી જાય તેવા તેઓ નથી. તેઓ સત્તાના ભૂખ્યા નથી અને રાજકારણમાં માનવીય સ્પર્શમાં માને છે. તેમની જનસેવાની વિચારધારા તેમને આપમેળે રાજકારણ તરફ દોરી જાય છે, તેઓ ક્યારે પણ એક પૂર્વધારણા પ્રમાણે ના રાજકારણી નહોતા. જેઓ તેમને ઓળખે છે તે જાણે છે કે તેમનું વ્યક્તિત્વ એક લાક્ષણિક રાજકારણી જેવું નથી, તેથી જ તે લોકો અને તમામ પક્ષો માટે એક આદરણીય વ્યક્તિ છે.

81 વર્ષની ઉંમરે પણ તેઓ માનસિક અને શારીરિક રીતે ફીટ અને જાહેર જીવનમાં સક્રિય છે. તેમનો એકમાત્ર ઉદ્દેશ છે કે તેઓ રાજકારણમાં પ્રવેશતી નવી પેઢીને એક હેતુ, એક જુસ્સા અને શક્તિથી તૈયાર કરે. તેમના સમગ્ર જાહેર જીવનમાં તેમણે હંમેશાં બીજાને કંઇક આપ્યું જ છે, બીજા પાસેથી કશું લીધું નથી. તેઓ ઈચ્છે છે કે રાજકારણીઓની આગામી પેઢી જવાબદાર, અદ્યતન અને લોકો સાથે માનવીય રહે.