શંકરસિંહ વાઘેલાએ કરી જાહેરાત, ખેડૂતોના સમર્થનમાં કરશે આમરણાંત ઉપવાસ

શંકરસિંહ વાઘેલાએ કરી જાહેરાત, ખેડૂતોના સમર્થનમાં કરશે આમરણાંત ઉપવાસ

નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન રવિવારે 25માં દિવસમાં પ્રવેશી ચૂક્યું છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂતોના આંદોલનને સમર્થન જાહેર કરતા મોટું એલાન કર્યું છે. તેમણે ખેડૂત આંદોલનના સમર્થનમાં આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.

હકીકતમાં, શંકરસિંહ વાઘેલાનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેમણે ખેડૂત આંદોલનના સમર્થનમાં આમરણાંત ઉપવાસ કરવાનું એલાન કર્યું છે. વાઘેલાએ ટ્વીટ કર્યું કે, ‘વાજપેયીની જન્મતિથિ 25 ડિસેમ્બર સુધી સરકાર ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો હું દિલ્હીના રાજઘાટ ખાતે આમરણાંત ઉપવાસ પર ઉતરીશ. જો આ કાયદો રહેશે તો ખેડૂતો મરશે. ખેડૂતોને જીવતા રાખવા હોય તો કૃષિ કાયદાને મારવો પડશે.’

ઉલ્લેખનીય છે કે, નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ શરૂ કરેલું આ આંદોલન ધીમે-ધીમે દેશભરમાં આગ પકડી રહ્યું છે. મોદી સરકાર પણ આંદોલનને શાંત પાડવા અને ખેડૂતોને સમજાવવા સતત પ્રયાસો કરી રહી છે. પીએમ મોદીએ તો પોતાના કચ્છના પ્રવાસ દરમિયાન પંજાબી પ્રતિનિધિ મંડળને મળીને એક રીતે ખેડૂતોને સંદેશ આપવા પ્રયાસ કર્યો હતો કે, સરકાર તેમની વાત સાંભળી રહી છે. પીએમ મોદી છેલ્લા કેટલાક દિવસોમાં લગભગ પોતાના દરેક ભાષણમાં ખેડૂત આંદોલનને સરકાર વિરોધી પક્ષોનું ષડયંત્ર જણાવતા રહ્યા છે.

Leave a comment